રામ
વિકિપીડિયા થી
રામ અયોધ્યાનાં રાજા દશરથ અને તેમની પટરાણી કૌશલ્યાનાં પુત્ર તરિકે જન્મ્યા હતાં. લોકો તેમને રામચંદ્ર, દશરથ નંદન, કૌશલ્યા નંદન, વિદેરે નામોથી પણ ઓળખે છે. તેમને વિષ્ણુનાં અવતાર માનવામાં આવે છે. વિષ્ણુનાં અવતારોમાં ભગવાન કૃષ્ણની પૂર્ણ પુરુષોત્તમ અને રામની મર્યાદા પુરુષોત્તમ તરીકે ગણતરી થાય છે. રાજા દશરથની અન્ય બે રાણીઓ, સુમિત્રા અને કૈકેયીનાં પુત્રો લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન રામનાં અન્ય ભાઇઓ હતાં. ભગવાન રામનાં લગ્ન વિદેહનાં રાજા જનકની પુત્રી સીતા સાથે થયાં હતાં. તેમને બે પુત્રો હતાં: લવ અને કુશ.
રામનાં બાળપણની અનેક લીલાઓ છે. સાવકી માતા કૈકેયી એ દાસી મંથરાની કાન ભંભેરણીથી ઉશ્કેરાઇને રાજા દશરથ પાસેથી રામનો વનવાસ અને પોતાનાં પુત્ર ભરતનો રાજ્યાભિષેક માંગ્યો હતો, જેનો આઘાત સહન ન થવાથી રાજા દશરથ મૃત્યુ પામ્યા, રામ ૧૪ વર્ષનાં વનવાસે ગયા, જ્યાં માતા સીતા એકાદર્શ પત્ની તરિકે તેમની સાથે ગયા તથા રામનો બિજા નંબરનો ભાઇ લક્ષ્મણ પન તેમની અને પોતાની માતા સમાન ભાભી સીતાની સેવા અર્થે વનમાં તેમની સાથે ગયો.
વનવાસ દરમ્યાન, લંકા પતિ રાવણ સીતાનું અપહરણ કરી ગયો અને તેમને અશોક વાટિકામાં રાખ્યા. રામ સીતાને શોધવા નિકળ્યા, જ્યાં રસ્તામાં તેમને જટાયુ, હનુમાન, બાલી, સુગ્રિવ, વગેરે એ મદદ કરી, અંતે રામે રાવનનો વધ કરીને, સીતાને પાછા મેળવ્યાં. આ બધી કથા વિસ્તૃત રૂપે વાલ્મિકિ મુનિએ રામાયણમાં વર્ણવી છે. આશરે ૫૦૦ વર્ષ પૂર્વે, ગોસ્વામી તુલસી દાસે હિંદીની એક બોલી ખડી હિંદીમાં રામાયણ લોકો સમજી શકે તેવા સરળ શબ્દોમાં લખ્યું જેને તેમણે રામચરિત માનસ નામ આપ્યું. આ રામચરિત માનસ ઉત્તર ભારતમાં ખુબ પ્રચલિત છે, જેમાં અનેક શસ્ત્રોનાં અભ્યાસીઓનાં મતે થોડી ઘણી કાલ્પનિક વાતો ઉમેરેલી છે, આમ વાલ્મિકિ કૃત રામાયણ અને રામચરિત માનસ હંમેશા એક બીજાની સાથે સરખામણિઇ પામતું રહ્યું છે.